ઇક વો દિન ભી થે…passion for cinema.com

ઇક વો દિન ભી થે……Passion for cinema.com

તો લગભગ માર્ચ-૨૦૦૭માં ઈન્ટરનેટ પર ફિલ્મો વિષે વાંચવા માટે ખાંખા ખોળા કરતા desitrain.com નામની વેબસાઈટ પર પહોચી જવાયું.  કોઈ OZ ઉપનામ વાળી કોઈ વ્યક્તિ આ વેબસાઈટ મેનેજ કરતી હતી. વેબસાઈટ ફેંદતા ફિલ્મ દિગ્દર્શક મુકુલ આનંદ વિશેનો બે ભાગમાં વહેચાયેલો ફાડું લેખ વાંચવા મળ્યો. મુકુલ આનંદ વિષે જે હું વિચારતો હતો તેના કરતા પણ ક્યાય ઊંડેથી, શોધખોળ કરીને અને ખાસ તો દિલથી લખાયેલો લેખ હતો. લેખમાં મુકુલ આનદની હિટ ફિલ્મો અગ્નિપથ, હમ અને ખુદા ગવાહ  ઉપરાંત ઘણી ફિલ્મો કે જેના ફક્ત નામ જ સાંભળ્યા છે પણ જોઈ નથી જેવી કે ઉસ્તાદ, સત્યમેવ જયતે, મહા સંગ્રામ, સલ્તનત  જેવી ફિલ્મોના વિશેષ સીન્સ અને તેમની વિશેષતાઓ વિષે ઘણું ઊંડાણપૂર્વક લખેલું હતું. ઉસ્તાદ ફિલ્મમાં વિનોદ ખન્ના ઉભેલો હોય છે અને ફરીને જોવે છે તે સીન વિષે આ ભાઈએ આખો ફકરો લખેલો. લેખ વાંચ્યા પછી લાગ્યું કે આ માણસ તો ફિલ્મોને ઘોળીને પી ગયેલો  છે. વધારે ખણખોદ કરતા માલુમ પડ્યું કે આ ભાઈનું અસલ નામ પંકજ સિક્કા છે અને પોતે અમેરિકામાં વસે છે (અત્યારે ક્યાં છે તે ખબર નથી) અને પોતે ‘MBA GANG’ નામના પુસ્તકના લેખક છે. અને હું ફિલ્મો વિષે બહુ જ જાણું છું તેવો ભ્રમ પણ ભાંગી ગયો.

desitrain.com પર વધારે સર્ચ કરતા અનુરાગ કશ્યપના પોતે લખેલા લેખો પણ વાંચવા મળ્યા. જેમાં તેમણે શરૂઆતના તેમના સંઘર્ષના દિવસો, ‘પાંચ’ અને ‘બ્લેક ફ્રાઈડે’ ફિલ્મોના મેકિંગ વિષે લખેલું.

આ બધા લેખો વાંચતા વાંચતા બીજો એક અદભૂત ખજાનો હાથ લાગી ગયો જેનું નામ હતું passionforcinema.com (PFC). આ ખજાનો પણ OZ અને તેમના જેવા બીજા ભેજાની જ પેદાશ હતી. ફિલ્મો વિષે મારા જેવા અને મારા કરતા પણ વધારે પેશનેટ લોકો આ ખઝાનાનો ભાગ હતા. પછીતો આ ખજાનાના ખજાનચીઓ દ્વારા લખાયેલા અનેક રત્નો એટલે કે લેખો વાંચતા વાંચતા હું પણ વેબસાઈટનો એક નાનકડો ભાગ બની ગયો. વાંચતા વાંચતા મને પણ થયું કે મારે પણ કઈક લખવું જોઈએ. પીએફસી પર કોઈ પણ ફિલ્મો વિષે લખી શકે તેમ હતું બસ ઓનલાઈન એક ફોર્મ ભરવાનું અને OZની એપ્રુવલ મળે કે તમે પીએફ્સીના લેખક ગણનો હિસ્સો બની જતા હતા.

તો મેં પણ મારી ઝીંદગીનો પ્રથમ લેખ નમકહરામ, સાહિબ અને બીજી ફિલ્મોના રીવ્યુથી કર્યો.  આના પહેલા પણ હું મારા એમબીએ અને એન્જીનીયરીંગના ઈ-મેલ ગ્રુપમાં રીવ્યુ લખીને મિત્રોને હેરાન કરતો હતો. પણ આ વખતે મારા વિચારો મારા કરતા પણ વધારે પેશનેટ લોકોમાં વહેચવાના હતા. લેખ પબ્લીશ થયા પછી તેના પર લોકો પોતાની કમેન્ટ લખી શકતા હતા અને જે તે લેખના વિષય વિષે ચર્ચા ચાલતી રહેતી. આપણે વહેચેલા વિચારો વિષે બીજાઓ  શું વિચારે છે તે જાણવાની ઇન્તેઝારી રહેતી. પછી તો લગભગ દર અઠવાડિયે હું લેખો લખતો રહેતો જેમાં DOORDARSHAN…DOWN MEMORY LANE, NAAYAK-SHANKAR AT HIS BEST, RAAJKUMAR SANTOSHI-SABAASH MERE CHITTAY, IQBAL-MY STORY, REVIEWS OF –PIRATES OF THE CARIBEEAN, JOHNNY GADDAR, SHOOTOUT AT LOKHANDWALA વગેરે વિષે લેખો લખેલા હતા.

OZની સાથે સાથે બીજા ફિલ્મ રસિયાઓ RK, કાર્તિક કૃષ્ણન, વાસનબાલા (જેઓ પાછળથી બોલીવુંડમાં એન્ટ્રી કરીને મારા જાણવા મુજબ EMOTIONAL ATYAACHAR નામની ફિલ્મમાં લેખક તરીકે કામ કર્યું,) સ્મૃતિ વીજ વગેરેના લેખો વાંચવાનો લહાવો ખરેખર અદભૂત હતો.  RKએ લખેલો ‘ઓમકારા’, ‘ન્યુ દિલ્હી ટાઈમ્સ’ પરનો લેખ તો પી.એચ.ડી.ની થીસીસ સમાન હતો. અનુરાગ કશ્યપે પોતાની ફિલ્મ ‘નો સ્મોકિંગ’ ની આખી પટકથા પીડીએફ સ્વરૂપે મૂકી હતી. ઉપરાંત બીજા ઘણા ફિલ્મ મેકરો જેવાકે ઓનીર (માય બ્રધર નીખીલ, સોરી ભાઈ), મનીષ તિવારી (દિલ દોસ્તી ઈટીસી.), હંસલ મેહતા (વુડસ્ટોક વિલા) પોતાની ફિલ્મો અને અન્ય ફિલ્મો વિષે પોતાના વિચારો લખતા હતા. ભૂલ ભુલૈયા ની રજૂઆત વખતે કોઈએ વળી તેની ઓરીજીનલ મલયાલમ ફિલ્મ Manichitrathazhu વિષે લખેલું. નવદીપ સિંગે (N.H. 10 ના ડીરેક્ટર) પણ પોતાની પ્રથમ ફિલ્મ ‘મનોરમા સિક્સ ફીટ અન્ડર’ ની પટકથા વેબસાઈટ પર મુકેલી. જીંજેનો લાભ લઇ નો સ્મોકિંગ અને મનોરમાની પટકથા પહેલા વાંચી અને પછી બંને ફિલ્મો જોવામાં આવેલી.

રામ ગોપાલ વર્માના સહાયક રાજકુમાર ગુપ્તા એ તે વખતે બની રહેલી ‘નિ:શબ્દ’ તથા અનુરાગ કશ્યપના સહાયક તરીકે ‘નો સ્મોકિંગ’ના મેકિંગ વિષે લખેલું. આ રાજકુમાર ગુપ્તાએ પછીથી પોતાની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ ‘આમીર’ બનાવવાનું ચાલુ કરેલું ત્યારે પણ મેકિંગ વિષે લખેલું. અનુરાગ કશ્યપે પણ ‘નો સ્મોકિંગ’ ના મેકિંગ વિષે ‘નો સ્મોકિંગ ડાયરી’  અને દેવ ડી’ ના મેકિંગ વિશેનો વાતો લખેલી. રામ ગોપાલ વર્માની ‘સત્યા’ વિષેનો ૨ ભાગનો લેખ તો અદભુત હતો. ‘મસાન’ જેવી આલાતરીન ફિલ્મના ડીરેક્ટર નીરજ ઘેવાન પણ આ વેબ્સાઈટ પર લખતા હતા જે હમણાં જ જાણવા મળ્યું.

પીએફસીનો વિકાસ થતા ‘PFC-ONE’ નામની શોર્ટ ફિલ્મોની પ્રતિયોગીતા પણ યોજેલી જેમાં ફક્ત એક મીનીટની શોર્ટ ફિલ્મ બનાવીને પીએફસીને મોકલવાની હતી. વિજેતાને ઇનામ તરીકે ઓનીર અને બીજા દિગ્દર્શકોના સહાયક તરીકે કામ કરવાની તક હતી. ઉપરાંત ફિલ્મ રીવ્યુની પણ કોન્ટેસ્ટ યોજવામાં આવેલી જેમાં મેં પણ ‘હલ્લા બોલ’નો રીવ્યુ કરીને ભાગ લીધેલો.

આમ, ફિલ્મરસીયોનો મેળો આ વેબસાઈટ પર જામેલો રહેતો. મુંબઈમાં તો ઘણા મિત્રો મળતા પણ હતા. પણ ધીમે ધીમે હું મારી બદલાયેલી જોબના લીધે વેબસાઈટ પર જવાનો સમય આપી શકતો નહોતો અને એક દિવસ ઘણા સમય પછી પીએફસીની વેબસાઈટ પર જતા કોઈ બીજી જ વેબસાઈટ ખુલી અને ખબર પડી કે પીએફસી તો બંધ થઇ ગઈ છે. જોકે કયા કારણોસર આ સાઈટ બંધ કરી દેવાઈ તે ખ્યાલ નથી. તે દિનથી આજદિન સુધી ઈન્ટરનેટ પર આવી ફિલ્મોને લગતી વેબસાઈટ જોવા મળી નથી. હવે તો ફક્ત સંસ્મરણો વાગોળવા રહ્યા અને બીજી લીન્ક્સ પરથી પીએફસી પર પબ્લીશ થયેલી પોસ્ટ જ વાંચવી રહી.

તે વખતના પીએફ્સીના એક લેખક સ્મ્રીતી વીજ દ્વારા તેમના લેખોનું આર્કાઈવ આ લીંક પર છે. http://passionforcinema-excerpts.blogspot.in/

ઉપરાંત પીએફ્સીના અમુક લેખોનું આર્કાઈવ પણ આ લીંક પર છે.

https://archive.is/passionforcinema.com

દેવ ડી વિષે અનુરાગ કશ્યપે લખેલા લેખોની લીંક:

https://passionforcinema-archive.blogspot.in/

મારો પણ એક આર્ટીકલ છે. જેને શેર કરવાની લાલચ હું રોકી શકતો નથી

https://archive.is/8Pabp

છોટી સી ખુશી -૫…મેઘધનુષ

છોટી સી ખુશી -૫…મેઘધનુષ

તો ગઈ કાલે ચોમાસાની ઋતુમાં વરસાદના થોડા છાંટાઓ અને સાંજના સૂર્યપ્રકાશમાં પાલનપુરમાં સરસ મેઘધનુષ રચાઈ ગયું અને ઘરના આંગણામાં બેઠા બેઠા મોબાઈલનો કેમેરા ક્લિક થઇ ગયો.

RAINBOW 1

RAINBOW 2

 

છોટી સી ખુશી-૪…પાલનપુરના કડી-સમોસા

છોટી સી ખુશી -૪… પાલનપુરના કડી-સમોસા

આખા ગુજરાત કે ભારતમાં સામાન્ય રીતે સમોસાની સાથે લીલી, તીખી અને મીઠી ચટણી પીરસવામાં આવે છે. જયારે પાલનપુરમાં (અને કદાચ રાજસ્થાનમાં)  એક અલગ પ્રકારના કડી સમોસાની વિશેષતા છે. અહી સમોસાની સાથે તીખી કડી (પ્યોર ગુજરાતીમાં ‘કઢી’) આપવામાં આવે છે. જેની સાથે દહીં, તીખી ચટણી અને મીઠી ચટણી મિક્ષ કરીને આપવામાં આવે છે.

આમ તો પાલનપુરમાં ઘણી બધી જગ્યાએ આ નાસ્તો/ફાસ્ટ ફૂડ કે જે કહો તે મળે છે પણ તેમાય ચેતક, સીટી લાઈટ, ભોગીલાલ (શાક માર્કેટ)  અને ગુપ્તાજી (દીલ્હી ગેટ) ની વાત જ કઈ ઓર છે. ગુપ્તાજી ની થોડી વધુ ખારી કડીની ખાસ વિશેષતા છે જે લોકો એક સમોસું લઇ ને બે થી ત્રણ વાર પી જાય છે. અમુક લોકો તો ફક્ત કડી પીવા જ સમોસા ખાવા જાય છે.

KADI SAMOSA

કદાચ બીજા કોઈ શહેર જેટલા જ આ સમોસા સ્વાદીષ્ટ હશે પણ તેની સાથે કડી ભળીને જે સ્વાદ આપે છે તે કદાચ બીજે ક્યાય નહિ મળે. તો પાલનપુરમાં કોઈ આવે તો અને હાયજીન ને નજરઅંદાઝ કરે તો બીજું કાઈ પણ ન ચાખે કે જુએ પણ આ કડી સમોસા તો ચાખવા જ.

મારા મોઢામાં પણ પાણી આવવા લાગ્યું છે. કોમ્પ્યુટર બંધ કરીને મારે પણ કડી સમોસા ખાવા દોડવું પડશે….

છોટી સી ખુશી-૩- ‘ગાંધી’ ફિલ્મ ફેસ્ટીવલ… પાલનપુરમાં

છોટી સી ખુશી-૩- ‘ગાંધી’ ફિલ્મ ફેસ્ટીવલ… પાલનપુરમાં

વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર ૨૦ ડિસે. ‘ ૧૫ થી ૩૦ જાન્યુ. ‘૧૬ સુધી ‘ઈટર્નલ ગાંધી (સાશ્વત ગાંધી) મલ્ટીમીડિયા પ્રદર્શન’નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રદર્શન દરમ્યાન મહાત્મા ગાંધીના જીવન, તેમના સંદેશ થતા તેમને લગતા વિવિધ પાસાઓને આવરી લેતી ફિલ્મોનો ફેસ્ટીવલ યોજાવા જઈ રહ્યો છે.

૧. ધ મેકિંગ ઓફ ધ મહાત્મા (૧૯૯૪)

૨. ગાંધી માય ફાધર (૨૦૦૭)

૩. સરદાર (૧૯૯૩)

૪. હે રામ! (૨૦૦૦)

પ્રદર્શન દરમ્યાન દર્શાવાનાર ફિલ્મોમાંથી ‘હે રામ’ જોયેલી છે જે દિમાગને હલબલાવી દે તેવી એક સરસ ફિલ્મ હતી. બાકીની ત્રણ જોવાની બાકી છે જે આ ફેસ્ટીવલ દરમ્યાન જોઈ લેવાશે. કદાચ બ્લોગ પર તેમના વિષે લખવામાં પણ આવશે.

ફિલ્મોને લગતી કોઈ નાની પ્રવૃત્તિ કર્યાની છોટી સી ખુશી આપતા આ ફેસ્ટીવલનું હાલ પુરતું તો આ  પોસ્ટર જોવું રહ્યું.

GANDHI FILM FESTIVAL.jpg

 

 

 

છોટી સી ખુશી-૨- ગુલાબજાંબુ સંગ આઈસ્ક્રીમ…મૌજા હી મૌજા…

છોટી સી ખુશી-૨- ગુલાબજાંબુ સંગ આઈસ્ક્રીમ…મૌજા હી મૌજા…

તિગ્માંશુ ધુલિયાની ક્લાસિક ફિલ્મ ‘પાનસિંગ તોમર’ ના એક સીનમાં ઈરફાન ખાન એટલે કે પાનસિંગ ગુલાબ જાંબુની સાથે આઈસ ક્રીમ મિક્ષ કરીને ખાય છે…તો મેં પણ વિચાર્યુકે આ અખતરો કરવા જેવો ખરો.

મેં પણ ઠંડાગાર મેંગો આઈસ ક્રીમની વચ્ચે ગરમા ગરમ બે ગુલાબ જાંબુ નાખી દીધા અને તેનો આસ્વાદ લીધો. અને ખરેખર ઠંડા આઈસક્રીમ ની સાથે ગરમા ગરમ ગુલાબ જાંબુ મિક્ષ કરીને આ ફ્યુઝન વાનગીને ચમચી વડે મોઢામાં મુક્તા આઈસ ક્રીમના વિદેશી સ્વાદ ની સાથે ગુલાબ જાંબુનો દેશી સ્વાદ સંયોજાઈને જે આનંદ આપે છે… નાં પૂછો વાત… મૌજા હી મૌજા…

gulab jaambu ice cream

છોટી સી ખુશી -૧ : ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડા પાણીથી સ્નાન

છોટી સી ખુશી : ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડા પાણીથી સ્નાન

હૃષીકેશ મુખર્જીની ક્લાસિક ફિલ્મ ‘બાવર્ચી’ માં કઈક આવો એક ડાયલોગ છે ‘હમ બડી ખુશીકે ઈન્તેજાર મેં છોટી છોટી ખુશીયાઓ કા મજા લેના ભૂલ જાતે હે. બડી ખુશિયા તો બહોત કામ હોતી હે પર છોટી ખુશિયા તો રોઝ મિલ જાતી હે’. તો આ થીમ પર જીવનની નાની ખુશીયો જેનો આનંદ કોઈ પણ ભોગવી શકે છે તેને વહેચવાનો વિચાર છે.

ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડા પાણીથી સ્નાન

ઉનાળાની ૪૫ ડીગ્રીની ગરમીમાં આખો દિવસ રખડી ને પરસેવે રેબઝેબ થયા હોય, ના ડીઓ સાથ આપતું કે ના ડરમી કુલ, આગ ઓકતા સૂર્યની ગરમી નસે નસમાં ઘુસી ગઈ હોય…ત્યારે બાથરૂમ માં જઈને કપડા કાઢીને ને ઠંડા પાણી નું શાવર કે ડોલ સ્નાન જે આનંદ આપે છે તે દુનિયા નો કોઈ વોટર પાર્ક કે બીચ સ્નાન ના આપી શકે. એમાય પહેલો ફુવારો કે પહેલું ડબલું માથા પર પડે અને જે સ્વર્ગીય અનુભૂતિ થાય તેનું વર્ણન શબ્દોમાં અશક્ય છે. આ ફોટોસ વળી વ્યક્તિઓ કઈક એવી જ અનુભૂતિ કરી રહી છે.

WATER FALLING ON FACE WATER4 WATER5 WATER6 WATER7 WATER8 WATER 3 WATER FALLING ON FACE2

જોકે આ આનંદ લેવા માટે ઉનાળાની ગરમી સહન કરવી જરૂરી છે. સાચું જ છેને કઈક મેળવવા માટે કઈક સહન કરવું પડે છે.