ઇક વો દિન ભી થે…passion for cinema.com

ઇક વો દિન ભી થે……Passion for cinema.com

તો લગભગ માર્ચ-૨૦૦૭માં ઈન્ટરનેટ પર ફિલ્મો વિષે વાંચવા માટે ખાંખા ખોળા કરતા desitrain.com નામની વેબસાઈટ પર પહોચી જવાયું.  કોઈ OZ ઉપનામ વાળી કોઈ વ્યક્તિ આ વેબસાઈટ મેનેજ કરતી હતી. વેબસાઈટ ફેંદતા ફિલ્મ દિગ્દર્શક મુકુલ આનંદ વિશેનો બે ભાગમાં વહેચાયેલો ફાડું લેખ વાંચવા મળ્યો. મુકુલ આનંદ વિષે જે હું વિચારતો હતો તેના કરતા પણ ક્યાય ઊંડેથી, શોધખોળ કરીને અને ખાસ તો દિલથી લખાયેલો લેખ હતો. લેખમાં મુકુલ આનદની હિટ ફિલ્મો અગ્નિપથ, હમ અને ખુદા ગવાહ  ઉપરાંત ઘણી ફિલ્મો કે જેના ફક્ત નામ જ સાંભળ્યા છે પણ જોઈ નથી જેવી કે ઉસ્તાદ, સત્યમેવ જયતે, મહા સંગ્રામ, સલ્તનત  જેવી ફિલ્મોના વિશેષ સીન્સ અને તેમની વિશેષતાઓ વિષે ઘણું ઊંડાણપૂર્વક લખેલું હતું. ઉસ્તાદ ફિલ્મમાં વિનોદ ખન્ના ઉભેલો હોય છે અને ફરીને જોવે છે તે સીન વિષે આ ભાઈએ આખો ફકરો લખેલો. લેખ વાંચ્યા પછી લાગ્યું કે આ માણસ તો ફિલ્મોને ઘોળીને પી ગયેલો  છે. વધારે ખણખોદ કરતા માલુમ પડ્યું કે આ ભાઈનું અસલ નામ પંકજ સિક્કા છે અને પોતે અમેરિકામાં વસે છે (અત્યારે ક્યાં છે તે ખબર નથી) અને પોતે ‘MBA GANG’ નામના પુસ્તકના લેખક છે. અને હું ફિલ્મો વિષે બહુ જ જાણું છું તેવો ભ્રમ પણ ભાંગી ગયો.

desitrain.com પર વધારે સર્ચ કરતા અનુરાગ કશ્યપના પોતે લખેલા લેખો પણ વાંચવા મળ્યા. જેમાં તેમણે શરૂઆતના તેમના સંઘર્ષના દિવસો, ‘પાંચ’ અને ‘બ્લેક ફ્રાઈડે’ ફિલ્મોના મેકિંગ વિષે લખેલું.

આ બધા લેખો વાંચતા વાંચતા બીજો એક અદભૂત ખજાનો હાથ લાગી ગયો જેનું નામ હતું passionforcinema.com (PFC). આ ખજાનો પણ OZ અને તેમના જેવા બીજા ભેજાની જ પેદાશ હતી. ફિલ્મો વિષે મારા જેવા અને મારા કરતા પણ વધારે પેશનેટ લોકો આ ખઝાનાનો ભાગ હતા. પછીતો આ ખજાનાના ખજાનચીઓ દ્વારા લખાયેલા અનેક રત્નો એટલે કે લેખો વાંચતા વાંચતા હું પણ વેબસાઈટનો એક નાનકડો ભાગ બની ગયો. વાંચતા વાંચતા મને પણ થયું કે મારે પણ કઈક લખવું જોઈએ. પીએફસી પર કોઈ પણ ફિલ્મો વિષે લખી શકે તેમ હતું બસ ઓનલાઈન એક ફોર્મ ભરવાનું અને OZની એપ્રુવલ મળે કે તમે પીએફ્સીના લેખક ગણનો હિસ્સો બની જતા હતા.

તો મેં પણ મારી ઝીંદગીનો પ્રથમ લેખ નમકહરામ, સાહિબ અને બીજી ફિલ્મોના રીવ્યુથી કર્યો.  આના પહેલા પણ હું મારા એમબીએ અને એન્જીનીયરીંગના ઈ-મેલ ગ્રુપમાં રીવ્યુ લખીને મિત્રોને હેરાન કરતો હતો. પણ આ વખતે મારા વિચારો મારા કરતા પણ વધારે પેશનેટ લોકોમાં વહેચવાના હતા. લેખ પબ્લીશ થયા પછી તેના પર લોકો પોતાની કમેન્ટ લખી શકતા હતા અને જે તે લેખના વિષય વિષે ચર્ચા ચાલતી રહેતી. આપણે વહેચેલા વિચારો વિષે બીજાઓ  શું વિચારે છે તે જાણવાની ઇન્તેઝારી રહેતી. પછી તો લગભગ દર અઠવાડિયે હું લેખો લખતો રહેતો જેમાં DOORDARSHAN…DOWN MEMORY LANE, NAAYAK-SHANKAR AT HIS BEST, RAAJKUMAR SANTOSHI-SABAASH MERE CHITTAY, IQBAL-MY STORY, REVIEWS OF –PIRATES OF THE CARIBEEAN, JOHNNY GADDAR, SHOOTOUT AT LOKHANDWALA વગેરે વિષે લેખો લખેલા હતા.

OZની સાથે સાથે બીજા ફિલ્મ રસિયાઓ RK, કાર્તિક કૃષ્ણન, વાસનબાલા (જેઓ પાછળથી બોલીવુંડમાં એન્ટ્રી કરીને મારા જાણવા મુજબ EMOTIONAL ATYAACHAR નામની ફિલ્મમાં લેખક તરીકે કામ કર્યું,) સ્મૃતિ વીજ વગેરેના લેખો વાંચવાનો લહાવો ખરેખર અદભૂત હતો.  RKએ લખેલો ‘ઓમકારા’, ‘ન્યુ દિલ્હી ટાઈમ્સ’ પરનો લેખ તો પી.એચ.ડી.ની થીસીસ સમાન હતો. અનુરાગ કશ્યપે પોતાની ફિલ્મ ‘નો સ્મોકિંગ’ ની આખી પટકથા પીડીએફ સ્વરૂપે મૂકી હતી. ઉપરાંત બીજા ઘણા ફિલ્મ મેકરો જેવાકે ઓનીર (માય બ્રધર નીખીલ, સોરી ભાઈ), મનીષ તિવારી (દિલ દોસ્તી ઈટીસી.), હંસલ મેહતા (વુડસ્ટોક વિલા) પોતાની ફિલ્મો અને અન્ય ફિલ્મો વિષે પોતાના વિચારો લખતા હતા. ભૂલ ભુલૈયા ની રજૂઆત વખતે કોઈએ વળી તેની ઓરીજીનલ મલયાલમ ફિલ્મ Manichitrathazhu વિષે લખેલું. નવદીપ સિંગે (N.H. 10 ના ડીરેક્ટર) પણ પોતાની પ્રથમ ફિલ્મ ‘મનોરમા સિક્સ ફીટ અન્ડર’ ની પટકથા વેબસાઈટ પર મુકેલી. જીંજેનો લાભ લઇ નો સ્મોકિંગ અને મનોરમાની પટકથા પહેલા વાંચી અને પછી બંને ફિલ્મો જોવામાં આવેલી.

રામ ગોપાલ વર્માના સહાયક રાજકુમાર ગુપ્તા એ તે વખતે બની રહેલી ‘નિ:શબ્દ’ તથા અનુરાગ કશ્યપના સહાયક તરીકે ‘નો સ્મોકિંગ’ના મેકિંગ વિષે લખેલું. આ રાજકુમાર ગુપ્તાએ પછીથી પોતાની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ ‘આમીર’ બનાવવાનું ચાલુ કરેલું ત્યારે પણ મેકિંગ વિષે લખેલું. અનુરાગ કશ્યપે પણ ‘નો સ્મોકિંગ’ ના મેકિંગ વિષે ‘નો સ્મોકિંગ ડાયરી’  અને દેવ ડી’ ના મેકિંગ વિશેનો વાતો લખેલી. રામ ગોપાલ વર્માની ‘સત્યા’ વિષેનો ૨ ભાગનો લેખ તો અદભુત હતો. ‘મસાન’ જેવી આલાતરીન ફિલ્મના ડીરેક્ટર નીરજ ઘેવાન પણ આ વેબ્સાઈટ પર લખતા હતા જે હમણાં જ જાણવા મળ્યું.

પીએફસીનો વિકાસ થતા ‘PFC-ONE’ નામની શોર્ટ ફિલ્મોની પ્રતિયોગીતા પણ યોજેલી જેમાં ફક્ત એક મીનીટની શોર્ટ ફિલ્મ બનાવીને પીએફસીને મોકલવાની હતી. વિજેતાને ઇનામ તરીકે ઓનીર અને બીજા દિગ્દર્શકોના સહાયક તરીકે કામ કરવાની તક હતી. ઉપરાંત ફિલ્મ રીવ્યુની પણ કોન્ટેસ્ટ યોજવામાં આવેલી જેમાં મેં પણ ‘હલ્લા બોલ’નો રીવ્યુ કરીને ભાગ લીધેલો.

આમ, ફિલ્મરસીયોનો મેળો આ વેબસાઈટ પર જામેલો રહેતો. મુંબઈમાં તો ઘણા મિત્રો મળતા પણ હતા. પણ ધીમે ધીમે હું મારી બદલાયેલી જોબના લીધે વેબસાઈટ પર જવાનો સમય આપી શકતો નહોતો અને એક દિવસ ઘણા સમય પછી પીએફસીની વેબસાઈટ પર જતા કોઈ બીજી જ વેબસાઈટ ખુલી અને ખબર પડી કે પીએફસી તો બંધ થઇ ગઈ છે. જોકે કયા કારણોસર આ સાઈટ બંધ કરી દેવાઈ તે ખ્યાલ નથી. તે દિનથી આજદિન સુધી ઈન્ટરનેટ પર આવી ફિલ્મોને લગતી વેબસાઈટ જોવા મળી નથી. હવે તો ફક્ત સંસ્મરણો વાગોળવા રહ્યા અને બીજી લીન્ક્સ પરથી પીએફસી પર પબ્લીશ થયેલી પોસ્ટ જ વાંચવી રહી.

તે વખતના પીએફ્સીના એક લેખક સ્મ્રીતી વીજ દ્વારા તેમના લેખોનું આર્કાઈવ આ લીંક પર છે. http://passionforcinema-excerpts.blogspot.in/

ઉપરાંત પીએફ્સીના અમુક લેખોનું આર્કાઈવ પણ આ લીંક પર છે.

https://archive.is/passionforcinema.com

દેવ ડી વિષે અનુરાગ કશ્યપે લખેલા લેખોની લીંક:

https://passionforcinema-archive.blogspot.in/

મારો પણ એક આર્ટીકલ છે. જેને શેર કરવાની લાલચ હું રોકી શકતો નથી

https://archive.is/8Pabp

Advertisements

ફેબ્રુઆરી-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

ફેબ્રુઆરી-૨૦૧૬ની ફિલ્મો અને પુસ્તક

 1. HOW TO TRAIN YOUR DRAGON (2010) : 7.5 / 10

હમણાં એનીમેશન ફિલ્મો જોંતા એવું લાગે છે કે બીજી ફિલ્મો કરતા અનિમેશન ફિલ્મોમાં વાર્તા અને માવજત વધારે સારી હોય છે.  HOW TO TRAIN YOUR DRAGON  એ અદભુત વિઝ્યુઅલ્સ અને એનીમેશન દ્વારા એક ટીનેજર અને ડ્રેગન વચ્ચેની દોસ્તીની કથા કહેતી સરળ અને સરસ ફિલ્મ છે.

 1. THE MARTIAN : (2015) : 8 / 10

રિડલી સ્કોટની વધુ એક સરસ સાઈ-ફાઈ ફિલ્મ. આ વખતે પણ પ્રોમેથીયાસની જેમ તેઓ મંગલ પર પહોચ્યા છે પણ એક સર્વાઈવલની વાર્તા લઈને. પણ આ વાર્તાનો હીરો બીજી સર્વાઈવલ ફિલ્મોની જેમ એકલતાથી પીડાતો નથી કે નથી એકલતાના લીધે નાસીપાસ થતો. ઘણા બધા વિઝ્યુઅલ્સ પ્રોમેથીયાસ સાથે સામ્યતા ધરાવે છે. પણ છેક છેલ્લે સુધી હીરો અને તેને મદદ કરવા માંગતા માનવોનો સંઘર્ષ છે છેલ્લે સુધી દર્શકને જકડી રાખે છે.

 1. BROTHERS (2015) : 7/ 10

બે બોક્સર ભાઈઓના પ્રેમ અને નફરતની કથા કહેતી અંગ્રેજી ફિલ્મ ‘વોરીયર્સ’ની રીમેક.  ઓરીજીનલ ફિલમ જોઈ નથી તેથી તેની સાથે ‘બ્રધર્સ’ની સરખામણી કરવી શક્ય નથી. ફિલ્મની એક વાત છે કે ફિલ્મ આડા પાટા પર ચડ્યા વિના મૂળ વાર્તાને વળગી રહે છે. ‘સપના જહાં’ ગીત સરસ છે. જેકી શ્રોફ આ વખતે સારી એક્ટિંગ કરી જાય છે. બાકી બધા પણ સારા છે. જોકે ભારતના વાતાવરણ પ્રમાણે સ્ટ્રીટ ફાઈટ અને  બોક્સિંગનું બેક્ગ્રાઉન્ડ થોડું અનકન્વીન્સીંગ લાગે છે.

 1. GHAYAL-ONCE AGAIN (2016) : 6 /10

એક્શન સારી છે પણ વાર્તાની નાની મોટી ભૂલો સુધારીને કદાચ ફિલ્મને વધુ બહેતર બનાવી શકી હોત. જોકે ઓરીજીનલ ઘાયલની સાપેક્ષે આ ફિલ્મ ઘણી નબળી છે. વાર્તાને અને કેરેક્ટર્સને પૂરતા  ડેવલોપ કરાયા વિના ઉતાવળમાં ફિલ્મ બનાવી હોય તેવું લાગે છે. ઘણા બધા સીન એવા હતા કે જેમાં દર્શકોની સીટીઓ મેળવી શકાત પણ એ બધા સીન્સ પણ ઉતાવળે ફિલ્માવાયેલા હોય તેવું લાગે છે. ક્લાઇમેક્ષ એકદમ ખરાબ કોમ્પ્યુટર ઈફેક્ટસથી ફીલ્માંવાયેલો છે. અંતમાં આવતો ટ્વીસ્ટ ગળે ઉતારવામાં મુશ્કેલી પડે છે.  અહી જ રાજકુમાર સંતોષીની ખોટ વર્તાય છે.

બેક્ ગ્રાઉન્ડ મ્યુઝીક સરસ છે અને ઓરીજીનલ ઘાયલની યાદ અપાવી દે છે. એક વાત છે કે સની દેઓલે ક્યાય પોતાને ગ્લોરીફાય કરવાનો પ્રયત્ન નથી કર્યો અને ઘરડો લાગતો હોવા છતાં સ્ક્રીન પ્રેઝન્સ વડે ફિલ્મને એક વાર જોવાલાયક બનાવે છે.

 1. PRIEST (2011): 7 /10

વેમ્પાયરથી માનવ જાતને બચાવવાની કોશિશ તે પણ દુનિયા ખત્મ થવાના આરે છે ત્યારે. ઘણી બધી ફિલ્મોમાં આ પ્લોટ આવે છે. આ ફિલ્મ પણ કઈ ખાસ નથી. એક્શન સારી છે. આ જ દિગ્દર્શક દ્વારા બનાવાયેલી ‘લીઝન’ પણ કઈ ખાસ નહોતી. એવા જ પ્લોટ પરની આ પણ ટાઈમ પાસ ફિલ્મ છે.

 1. SPECTRE (2015): 7.5 / 10

વાર્તા સીધી છે પણ જાણી જોઇને કોમ્પ્લીકેટેડ બનાવવાનો પ્રયત્ન થયો છે. સામ મેન્ડીસના આવ્યા પછી જેમ્સ બોન્ડની ફિલ્મોની ગતિ ઓછી થઇ ગઈ હોય તેવું લાગે છે. અમુક દ્રશ્યો જેવાકે બોન્ડ અને વિલનનો આમનો સામનો, ટ્રેઈનની ફાઈટ વગેરે દ્રશ્યોની પકડ સારી છે. પણ ઓવરઓલ બોન્ડની છેલ્લી ફિલ્મ ‘સ્કાયફોલ’ જેવી રોચક અને ઊંચા લેવલની નથી. ડેનિયલ ક્રેઇગ દરેક વખતની જેમ મજા કરાવે છે. બંને બોન્ડ ગર્લ્સમાં દમ નથી ના એક્ટિંગ કે ના દેખાવ. મોનિકા બેલુચી તો ડોશી જ લાગે છે. જોકે સામ મેન્ડીસની પકડ અને ડેનિયલ ક્રેગ ફિલ્મને જોવાલાયક તો બનાવે જ છે.

 1. MR. BEAN’S HOLIDAY (2007 ) : 7 / 10

વધારે વિચાર્યા વગર મિ. બીનના ગાંડાવેડા ગમતા હોય તો જોઇ શકાય. વાર્તામાં કઈ ખાસ નથી પણ ટાઈમપાસ ખરી.

 1. NATSAMRAT (2016): 9 / 10

નાના પાટેકર અને વિક્રમ ગોખલેની માઈલસ્ટોન અદાકારી,  હાઈ ક્લાસ પ્રોડક્શન, સુંદર વાર્તા અને સંવાદો… ખરેખર ક્લાસિક જે ચૂકવા જેવી નથી. નાના પાટેકર ખરેખર હમેશની જેમ અદભુત છે.  અબ તક છપ્પન, પરિંદા, ખામોશીનું લેવલ. વિક્રમ ગોખલે પણ જબરદસ્ત ટક્કર આપે છે.બન્ને વચ્ચેનો કર્ણ અને કૃષ્ણનો સીન ખરેખર યાદગાર છે. મરાઠી સિનેમાએ ઊંચું સ્તર પકડી લીધું છે. ક્યારે આવી ગુજરાતી ફિલ્મો બનશે??? અર્બન રોમાન્સ બહુ થઇ ગયો યાર…

 1. LUCY (2014): 7.5 / 10

એક અલગ પ્રકારની વાર્તા. પણ માવજતમાં કઈ નવું નથી. સ્કારલેટ જોન્સન અને મોર્ગન ફ્રીમેનને જોવાની મજા આવે છે.

 1. DUMB AND DUMBER TO (2014): 6.5 / 10

પ્રથમ ભાગ જેણે જોયો હશે અને તેની સરખામણીમાં આ ભાગ કદાચ મોળો લાગે. બે ત્રણ જગ્યા સિવાય હસવાનું શોધવું પડે તેમ છે. ઘણા બધા સંવાદો દ્વિઅર્થી છે. ફરીવાર સિકવલ ખાલી જૂની સફળતાને વટાવવા અને બનાવવા ખાતર બનાવી હોય તેવું લાગે છે. જોકે જીમ કેરી ઘરડો લાગતો હોવા છતાં તેની છાપ પ્રમાણે  અને તેનો સાથીદાર જેફ ડેનિયલસ ગાંડાવેડા કાઢીને ફિલ્મને રસહીન બનતી અટકાવે છે.

 1. HE NAMED ME MALALA (2015): 7.5 / 10

હમણાં જ મલાલાની જીવન કથા ‘આઈ એમ મલાલા’ વાંચી હોવાથી આ ડોક્યુમેન્ટ્રી વધારે રોચક લાગી. જોકે પુસ્તક જેવું ઊંડાણ આમાં નથી.

પુસ્તક:

 1. HALF GIRLFRIEND

By Chetan Bhagat

half-girlfriend

ઘણા સમયથી વિશ લીસ્ટમાં રહેલું આ પુસ્તક એક નાના ગામમાંથી શહેરમાં આવેલા એક યુવાન તથા દિલ્હી શહેરની મોડર્ન છોકરી વચ્ચેના પ્રેમ, હૃદયભંગ, છુટા પડવું અને ફરી મિલનની કથા રસપ્રદ રીતે કહે છે. ચેતન ભગતે હમેશની જેમ પોતાની પ્રવાહી અને રસાળ શૈલી દ્વારા પુસ્તકને રોચક બનાવ્યું છે. જોકે અંત એકદમ ફિલ્મી અને નાટકીય લાગ્યો.

 1. I AM MALALA

By Malala Yousafzai with Christina Lamb

I AM MALALA BOOK

ઘણા સમયથી આ પુસ્તક પણ વિશ લીસ્ટમાં હતું. શાંતિ માટેનું ૨૦૧૪નુ નોબેલ પ્રાઈઝ જીતનાર આ પાકિસ્તાની છોકરી ‘મલાલા’ ના એજ્યુકેશન માટેના તેના તથા તેના પિતાની સંઘર્ષ ગાથા રજુ કરે છે. પુસ્તક એવી રીતે લખાયું છે કે ક્યાંય કંટાળો આવતો નથી. પાકિસ્તાનની પ્રજા, તેમની મુશ્કેલીઓ અને પાકિસ્તાનના તાલીબાનીકરણ વિષે અંદરની માહિતી આ પુસ્તક પૂરી પાડે છે. વાંચવા જેવું તો ખરું જ