છોટી સી ખુશી-૬ …પેન પુરાણ

છોટી સી ખુશી-૬ …પેન પુરાણ

સરસ પેનથી લખવાનું મને ગમે. સ્કુલમાં હતો ત્યારથી ફાઉન્ટેન પેનથી લખવું તો ખુબ જ ગમે. એ જમાનામાં ફાઉન્ટેન પેનોમાં ‘મયુર’ નો જમાનો હતો જેની બોડી વુડન ટેક્સચર જેવી આવતી.

mayur_india_flea_4

એ સમયમાં ‘રેનોલ્ડસ’ પેનો નવી નવી માર્કેટમાં આવી હતી અને તેની સફેદ રંગની બોડી અને વાદળી ઢાંકણ વાળી ‘FINE CARBIDE’ પેન જોર ચાલી હતી.

reynolds-FINE CARBIDE

તેની ‘જેટર’ પેન તો પ્રીમીયમ ગણાતી હતી અને મારા જેવાએ તો ૧૨- સાયંસના બોર્ડના પેપરો તેનાથી લખ્યા હતા. તેનો મોરપીંછ કલર મને ખુબ ગમતો.

REYNOLDS JETTER

પછી તો સેલો, ટુડે, લીંક વગેરે ઘણી કંપનીઓ માર્કેટમાં આવી. આ બધામાં ‘રોટોમેક’ (ટેગલાઈન: લીખતે લીખતે લવ હો જાયે) જેવી દેશી કંપનીએ ‘રેનોલ્ડસ’ને સારી એવી ટક્કર આપેલી. તેની ‘ફાઈટર’ પેન ‘જેટર’ ની સીધી સ્પર્ધામાં હતી અને જેની એડમાં જાવેદ અખ્તર આવતા હતા અને જેની પંચ લાઈન ‘ફાઈટર કભી  હારતા નહિ’ પ્રખ્યાત બની હતી.

ROTOMAC FIGHTER

એ સમયમાં ઘણા મિત્રો લક્ઝરની પાઈલોટ પેન લઈને આવતા જે એ સમયમાં ૩૫ રૂ. માં મળતી હતી અને જે વાપરતા હતા તેની મારા જેવા ઈર્ષા કરતા હતા.

Luxor-White-Pilot-Pen-Pack-SDL131538481-1-7afc7

મેં પણ તે સમયમાં રમકડાના બદલે ચાઈના પેન તરીકે ઓળખાતી ફાઉન્ટેન પેન લીધી હતી.

CHINA FOUNTAIN PEN

પછી તો રોલર પેનો આવી અને ‘એડ’ ની જેલ પેનો આવી અને સાથે સાથે વેરાઈટી પણ વધતી ગઈ.

અત્યારે પેલી ૨ રૂપિયા વાળી યુઝ & થ્રો પેનો પણ ગણી ચાલે છે પણ તે પેનોએ ઘણીવાર ફૂટીને મારા શર્ટ ખરાબ કરેલા છે તેથી તેનાથી હું દુર જ રહું છું. ‘પાર્કર’ જેવી પેનો તો કોઈ ગીફ્ટમાં આપે તો જ લખવી ગમે બાકી તો ઓછી કિમતમાં લખવાની વધારે મજા આવે તેવી પેનો જ પસંદ કરાય છે.

થોડા વર્ષોથી લખવાનું ઓછું થતું જાય છે અને મોટાભાગનું લખવાનું કી-બોર્ડથી જ થાય છે અને આ પેન પુરાણ પણ કી-બોર્ડથી જ લખાયું છે. છતાં ડાયરીમાં લખવા માટે પણ સારી પેનનું વળગણ હજી ઓછું નથી થયું. આ વળગણ અત્યારે મારા પુત્ર આરવને લાગ્યું છે અને તેને દર ૨-૩ દિવસે નવી પેન જોઈએ છે. તેની સાથે ‘અમે સ્કુલના સમયમાં આવી પેનો વાપરતા’ એવી વાતો કરતા કરતા અમારા જમાનાની આ પેનો યાદ આવી.

જોકે  હમણાં થોડાક વર્ષોથી ઉપયોગમાં આવતી વિવિધ પેનો જોઉં છું તો એ ધ્યાનમાં આવ્યું છે કે ‘ફ્લેર’ કંપનીની પેનો હમેશા પૈસા વસુલ હોય છે. એક ઉદાહરણ તરીકે ‘ફ્લેર હાઈડ્રા’ નામની જેલ પેન ફક્ત રૂ. ૫ માં આવે છે. વિચારો ફક્ત ૫ રૂ.માં કંપની શું આપી શકે? પણ હાઈડ્રા પેનથી લખતી વખતે ખરેખર આનંદ આવે છે. સરસ મઝાની ગ્રીપ, ગમે તેવો ઇન્કનો બ્લુ કલર, સ્મૂથ લખાણ અને સુંદર બોડી બધું આ ફક્ત ૫ રૂ. ની પેનમાં મળે છે. આ પેનથી લખતી વખતે જે મજા, આનંદ કે સંતોષ જે ગણો તે બીજી અનેક ગણી મોંઘી પેનોથી પણ નથી મળ્યો. બીજી એક પેન છે ‘ફ્લેર ઇઝી ક્લિક’. આ બોલપેન પણ ફક્ત ૫ રૂ. માં મળે છે. હવે તેની બોડીનું ફીનીશીંગ જુઓ, બોડીના કલર જુઓ કે તેની ક્લિક જુઓ, ૫ રૂ. માં પુરેપુરા પૈસા વસુલ. હા, માન્યું કે એકદમ જબરદસ્ત ક્વોલીટી નથી આ પેનોમાં, પણ ૫ રૂ.ની કિમતમાં આ બંને પેનો પૈસા વસુલ છે.

FLAIR HYDRA

FLAIR EZEE CLICK

જોકે આ બધી ચર્ચાના અંતમાં તો એટલું જ કે ગમે તેટલી ૫૦૦૦ રૂ. ની પેનથી લખો કે ૫ રૂ.ની પેનથી લખો, છેલ્લે મહત્વ તો લખાણનું જ હોય છે. છતાં ઘણી વાર એવો સવાલ પણ થાય કે મહાન લેખકો કઈ પેનથી લખતા હશે?

તા.ક. : હું કોઈ પેન કંપનીનો એજન્ટ નથી કે મારી  સ્ટેશનરીની કોઈ દુકાન નથી.

Advertisements

છોટી સી ખુશી-૪…પાલનપુરના કડી-સમોસા

છોટી સી ખુશી -૪… પાલનપુરના કડી-સમોસા

આખા ગુજરાત કે ભારતમાં સામાન્ય રીતે સમોસાની સાથે લીલી, તીખી અને મીઠી ચટણી પીરસવામાં આવે છે. જયારે પાલનપુરમાં (અને કદાચ રાજસ્થાનમાં)  એક અલગ પ્રકારના કડી સમોસાની વિશેષતા છે. અહી સમોસાની સાથે તીખી કડી (પ્યોર ગુજરાતીમાં ‘કઢી’) આપવામાં આવે છે. જેની સાથે દહીં, તીખી ચટણી અને મીઠી ચટણી મિક્ષ કરીને આપવામાં આવે છે.

આમ તો પાલનપુરમાં ઘણી બધી જગ્યાએ આ નાસ્તો/ફાસ્ટ ફૂડ કે જે કહો તે મળે છે પણ તેમાય ચેતક, સીટી લાઈટ, ભોગીલાલ (શાક માર્કેટ)  અને ગુપ્તાજી (દીલ્હી ગેટ) ની વાત જ કઈ ઓર છે. ગુપ્તાજી ની થોડી વધુ ખારી કડીની ખાસ વિશેષતા છે જે લોકો એક સમોસું લઇ ને બે થી ત્રણ વાર પી જાય છે. અમુક લોકો તો ફક્ત કડી પીવા જ સમોસા ખાવા જાય છે.

KADI SAMOSA

કદાચ બીજા કોઈ શહેર જેટલા જ આ સમોસા સ્વાદીષ્ટ હશે પણ તેની સાથે કડી ભળીને જે સ્વાદ આપે છે તે કદાચ બીજે ક્યાય નહિ મળે. તો પાલનપુરમાં કોઈ આવે તો અને હાયજીન ને નજરઅંદાઝ કરે તો બીજું કાઈ પણ ન ચાખે કે જુએ પણ આ કડી સમોસા તો ચાખવા જ.

મારા મોઢામાં પણ પાણી આવવા લાગ્યું છે. કોમ્પ્યુટર બંધ કરીને મારે પણ કડી સમોસા ખાવા દોડવું પડશે….

છોટી સી ખુશી-૩- ‘ગાંધી’ ફિલ્મ ફેસ્ટીવલ… પાલનપુરમાં

છોટી સી ખુશી-૩- ‘ગાંધી’ ફિલ્મ ફેસ્ટીવલ… પાલનપુરમાં

વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર ૨૦ ડિસે. ‘ ૧૫ થી ૩૦ જાન્યુ. ‘૧૬ સુધી ‘ઈટર્નલ ગાંધી (સાશ્વત ગાંધી) મલ્ટીમીડિયા પ્રદર્શન’નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રદર્શન દરમ્યાન મહાત્મા ગાંધીના જીવન, તેમના સંદેશ થતા તેમને લગતા વિવિધ પાસાઓને આવરી લેતી ફિલ્મોનો ફેસ્ટીવલ યોજાવા જઈ રહ્યો છે.

૧. ધ મેકિંગ ઓફ ધ મહાત્મા (૧૯૯૪)

૨. ગાંધી માય ફાધર (૨૦૦૭)

૩. સરદાર (૧૯૯૩)

૪. હે રામ! (૨૦૦૦)

પ્રદર્શન દરમ્યાન દર્શાવાનાર ફિલ્મોમાંથી ‘હે રામ’ જોયેલી છે જે દિમાગને હલબલાવી દે તેવી એક સરસ ફિલ્મ હતી. બાકીની ત્રણ જોવાની બાકી છે જે આ ફેસ્ટીવલ દરમ્યાન જોઈ લેવાશે. કદાચ બ્લોગ પર તેમના વિષે લખવામાં પણ આવશે.

ફિલ્મોને લગતી કોઈ નાની પ્રવૃત્તિ કર્યાની છોટી સી ખુશી આપતા આ ફેસ્ટીવલનું હાલ પુરતું તો આ  પોસ્ટર જોવું રહ્યું.

GANDHI FILM FESTIVAL.jpg

 

 

 

કોચરબ અને ગાંધી આશ્રમ

હમણાં ઓફીસના કામે કોચરબ અને ગાંધી આશ્રમની મુલાકાત લેવાનું થયું.

વર્ષોથી જે રોડ પર આવતા જતા હતા તે રોડ પરની વિશ્વભરમાં પ્રખ્યાત બે સંસ્થાઓ પહેલી વાર જોઈ જેની અમુક તસ્વીરો…

 

 

 

છોટી સી ખુશી-૨- ગુલાબજાંબુ સંગ આઈસ્ક્રીમ…મૌજા હી મૌજા…

છોટી સી ખુશી-૨- ગુલાબજાંબુ સંગ આઈસ્ક્રીમ…મૌજા હી મૌજા…

તિગ્માંશુ ધુલિયાની ક્લાસિક ફિલ્મ ‘પાનસિંગ તોમર’ ના એક સીનમાં ઈરફાન ખાન એટલે કે પાનસિંગ ગુલાબ જાંબુની સાથે આઈસ ક્રીમ મિક્ષ કરીને ખાય છે…તો મેં પણ વિચાર્યુકે આ અખતરો કરવા જેવો ખરો.

મેં પણ ઠંડાગાર મેંગો આઈસ ક્રીમની વચ્ચે ગરમા ગરમ બે ગુલાબ જાંબુ નાખી દીધા અને તેનો આસ્વાદ લીધો. અને ખરેખર ઠંડા આઈસક્રીમ ની સાથે ગરમા ગરમ ગુલાબ જાંબુ મિક્ષ કરીને આ ફ્યુઝન વાનગીને ચમચી વડે મોઢામાં મુક્તા આઈસ ક્રીમના વિદેશી સ્વાદ ની સાથે ગુલાબ જાંબુનો દેશી સ્વાદ સંયોજાઈને જે આનંદ આપે છે… નાં પૂછો વાત… મૌજા હી મૌજા…

gulab jaambu ice cream

છોટી સી ખુશી -૧ : ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડા પાણીથી સ્નાન

છોટી સી ખુશી : ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડા પાણીથી સ્નાન

હૃષીકેશ મુખર્જીની ક્લાસિક ફિલ્મ ‘બાવર્ચી’ માં કઈક આવો એક ડાયલોગ છે ‘હમ બડી ખુશીકે ઈન્તેજાર મેં છોટી છોટી ખુશીયાઓ કા મજા લેના ભૂલ જાતે હે. બડી ખુશિયા તો બહોત કામ હોતી હે પર છોટી ખુશિયા તો રોઝ મિલ જાતી હે’. તો આ થીમ પર જીવનની નાની ખુશીયો જેનો આનંદ કોઈ પણ ભોગવી શકે છે તેને વહેચવાનો વિચાર છે.

ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડા પાણીથી સ્નાન

ઉનાળાની ૪૫ ડીગ્રીની ગરમીમાં આખો દિવસ રખડી ને પરસેવે રેબઝેબ થયા હોય, ના ડીઓ સાથ આપતું કે ના ડરમી કુલ, આગ ઓકતા સૂર્યની ગરમી નસે નસમાં ઘુસી ગઈ હોય…ત્યારે બાથરૂમ માં જઈને કપડા કાઢીને ને ઠંડા પાણી નું શાવર કે ડોલ સ્નાન જે આનંદ આપે છે તે દુનિયા નો કોઈ વોટર પાર્ક કે બીચ સ્નાન ના આપી શકે. એમાય પહેલો ફુવારો કે પહેલું ડબલું માથા પર પડે અને જે સ્વર્ગીય અનુભૂતિ થાય તેનું વર્ણન શબ્દોમાં અશક્ય છે. આ ફોટોસ વળી વ્યક્તિઓ કઈક એવી જ અનુભૂતિ કરી રહી છે.

WATER FALLING ON FACE WATER4 WATER5 WATER6 WATER7 WATER8 WATER 3 WATER FALLING ON FACE2

જોકે આ આનંદ લેવા માટે ઉનાળાની ગરમી સહન કરવી જરૂરી છે. સાચું જ છેને કઈક મેળવવા માટે કઈક સહન કરવું પડે છે.

મિત્રો સાથે અણધારી મુલાકાત…

તો આ અઠવાડિયામાં અણધાર્યા બે ખાસ મિત્રો મળી ગયા.

ગયા શનિવારે એટલે કે ૨૪મી એ અચાનક મહેશ મોદીનો ફોન આવ્યો. તે લગનમાં પાલનપુર આવતો હતો.

ગાડી લઈને હિરેનની બેન ના લગનમાં હાજરી આપીને તરત મહેશને મળવા ગયો.

મહેશ જામનગર RELIANCE માં I C એન્જીનીયર તરીકે કામ કરે છે. મૂળ મહેસાણાનો મહેશ ENGINEERING માં મારો રૂમ પાર્ટનર હતો.  પ્રેમથી અમે એને મોદીલાલ કેહતા. હવે તો મૂછો પણ રાખવા માંડ્યો છે. ટૂંકી મૂલાકાતમાં જુના દિવસો અને મિત્રો પીયુષ, નિકુંજ, પીનલ, કાનજીને યાદ કરવામાં આવ્યા. તેની પત્ની સાથે મારા ઘરે લઈ જઈને ચાપાણી કરીને છૂટા પડ્યા.

ME AND MAHESH MODI

અને આજે સવારે અચાનક પીયુષ કે જે સ્કુલમાં અને ENGINEERINGમાં મારી સાથે હતો તેનો ફોન આવ્યો. અવાજ તો તરત ઓળખી ગયો. ફટાફટ પ્રગ્નેશની હોસ્પિટલે મળવા ગયો. પ્રગ્નેશ, કુંતલ (પાલનપુરના રેગુલર લોકલ મિત્રો) અને પીયુષ તથા મેં ચારેય જાણે દાબેલી, SANDWICH અને વડાપાઉં ખાતા ખાતા ગપ્પા ગોસ્તી કરી. પીયુષ પાસેથી તેની AUSTRALIA ની લાઈફ વિષે વાતો કરી. જોકે તેના જણાવ્યા મુજબ ઇન્ડિયા કરતા સારી લાઈફ ક્યાય નથી. EXPORT ORIENTED દેશોનો ડોલરની સામે ભાવ કેમ નીચો હોય છે તે જાણવા મળ્યું. પિયુષને અમદાવાદથી PLANE પકડવાનું હોવાથી અંતે અમે છૂટા પડ્યા.

PIYUSH PATEL

તો આ રીતે વિચાર્યું નહોતું તેમ અચાનક મિત્રો સાથે ભેટ થઇ ગઈ.

અમે હું, પીયુષ, નિકુંજ, કાનજી અને ઉપર બતાવેલ મહેશ સાથે રહેતા હતા. જીવનના ચાર સુવર્ણ વરસો સાથે ગાળ્યા છે. જેની વાત ફરી ક્યારેક..