છોટી સી ખુશી-૬ …પેન પુરાણ

છોટી સી ખુશી-૬ …પેન પુરાણ

સરસ પેનથી લખવાનું મને ગમે. સ્કુલમાં હતો ત્યારથી ફાઉન્ટેન પેનથી લખવું તો ખુબ જ ગમે. એ જમાનામાં ફાઉન્ટેન પેનોમાં ‘મયુર’ નો જમાનો હતો જેની બોડી વુડન ટેક્સચર જેવી આવતી.

mayur_india_flea_4

એ સમયમાં ‘રેનોલ્ડસ’ પેનો નવી નવી માર્કેટમાં આવી હતી અને તેની સફેદ રંગની બોડી અને વાદળી ઢાંકણ વાળી ‘FINE CARBIDE’ પેન જોર ચાલી હતી.

reynolds-FINE CARBIDE

તેની ‘જેટર’ પેન તો પ્રીમીયમ ગણાતી હતી અને મારા જેવાએ તો ૧૨- સાયંસના બોર્ડના પેપરો તેનાથી લખ્યા હતા. તેનો મોરપીંછ કલર મને ખુબ ગમતો.

REYNOLDS JETTER

પછી તો સેલો, ટુડે, લીંક વગેરે ઘણી કંપનીઓ માર્કેટમાં આવી. આ બધામાં ‘રોટોમેક’ (ટેગલાઈન: લીખતે લીખતે લવ હો જાયે) જેવી દેશી કંપનીએ ‘રેનોલ્ડસ’ને સારી એવી ટક્કર આપેલી. તેની ‘ફાઈટર’ પેન ‘જેટર’ ની સીધી સ્પર્ધામાં હતી અને જેની એડમાં જાવેદ અખ્તર આવતા હતા અને જેની પંચ લાઈન ‘ફાઈટર કભી  હારતા નહિ’ પ્રખ્યાત બની હતી.

ROTOMAC FIGHTER

એ સમયમાં ઘણા મિત્રો લક્ઝરની પાઈલોટ પેન લઈને આવતા જે એ સમયમાં ૩૫ રૂ. માં મળતી હતી અને જે વાપરતા હતા તેની મારા જેવા ઈર્ષા કરતા હતા.

Luxor-White-Pilot-Pen-Pack-SDL131538481-1-7afc7

મેં પણ તે સમયમાં રમકડાના બદલે ચાઈના પેન તરીકે ઓળખાતી ફાઉન્ટેન પેન લીધી હતી.

CHINA FOUNTAIN PEN

પછી તો રોલર પેનો આવી અને ‘એડ’ ની જેલ પેનો આવી અને સાથે સાથે વેરાઈટી પણ વધતી ગઈ.

અત્યારે પેલી ૨ રૂપિયા વાળી યુઝ & થ્રો પેનો પણ ગણી ચાલે છે પણ તે પેનોએ ઘણીવાર ફૂટીને મારા શર્ટ ખરાબ કરેલા છે તેથી તેનાથી હું દુર જ રહું છું. ‘પાર્કર’ જેવી પેનો તો કોઈ ગીફ્ટમાં આપે તો જ લખવી ગમે બાકી તો ઓછી કિમતમાં લખવાની વધારે મજા આવે તેવી પેનો જ પસંદ કરાય છે.

થોડા વર્ષોથી લખવાનું ઓછું થતું જાય છે અને મોટાભાગનું લખવાનું કી-બોર્ડથી જ થાય છે અને આ પેન પુરાણ પણ કી-બોર્ડથી જ લખાયું છે. છતાં ડાયરીમાં લખવા માટે પણ સારી પેનનું વળગણ હજી ઓછું નથી થયું. આ વળગણ અત્યારે મારા પુત્ર આરવને લાગ્યું છે અને તેને દર ૨-૩ દિવસે નવી પેન જોઈએ છે. તેની સાથે ‘અમે સ્કુલના સમયમાં આવી પેનો વાપરતા’ એવી વાતો કરતા કરતા અમારા જમાનાની આ પેનો યાદ આવી.

જોકે  હમણાં થોડાક વર્ષોથી ઉપયોગમાં આવતી વિવિધ પેનો જોઉં છું તો એ ધ્યાનમાં આવ્યું છે કે ‘ફ્લેર’ કંપનીની પેનો હમેશા પૈસા વસુલ હોય છે. એક ઉદાહરણ તરીકે ‘ફ્લેર હાઈડ્રા’ નામની જેલ પેન ફક્ત રૂ. ૫ માં આવે છે. વિચારો ફક્ત ૫ રૂ.માં કંપની શું આપી શકે? પણ હાઈડ્રા પેનથી લખતી વખતે ખરેખર આનંદ આવે છે. સરસ મઝાની ગ્રીપ, ગમે તેવો ઇન્કનો બ્લુ કલર, સ્મૂથ લખાણ અને સુંદર બોડી બધું આ ફક્ત ૫ રૂ. ની પેનમાં મળે છે. આ પેનથી લખતી વખતે જે મજા, આનંદ કે સંતોષ જે ગણો તે બીજી અનેક ગણી મોંઘી પેનોથી પણ નથી મળ્યો. બીજી એક પેન છે ‘ફ્લેર ઇઝી ક્લિક’. આ બોલપેન પણ ફક્ત ૫ રૂ. માં મળે છે. હવે તેની બોડીનું ફીનીશીંગ જુઓ, બોડીના કલર જુઓ કે તેની ક્લિક જુઓ, ૫ રૂ. માં પુરેપુરા પૈસા વસુલ. હા, માન્યું કે એકદમ જબરદસ્ત ક્વોલીટી નથી આ પેનોમાં, પણ ૫ રૂ.ની કિમતમાં આ બંને પેનો પૈસા વસુલ છે.

FLAIR HYDRA

FLAIR EZEE CLICK

જોકે આ બધી ચર્ચાના અંતમાં તો એટલું જ કે ગમે તેટલી ૫૦૦૦ રૂ. ની પેનથી લખો કે ૫ રૂ.ની પેનથી લખો, છેલ્લે મહત્વ તો લખાણનું જ હોય છે. છતાં ઘણી વાર એવો સવાલ પણ થાય કે મહાન લેખકો કઈ પેનથી લખતા હશે?

તા.ક. : હું કોઈ પેન કંપનીનો એજન્ટ નથી કે મારી  સ્ટેશનરીની કોઈ દુકાન નથી.

ઓગસ્ટ-૨૦૧૭ની ફિલ્મો અને પુસ્તકો

ફિલ્મો:

  1. VOLVER (2006) (SPANISH) : 8 / 10

બ્યુટીફૂલ ‘પીનેલોપ ક્રુઝ’ અભિનીત આ સ્પેનીશ ફિલ્મની શરૂઆત એક થ્રીલર તરીકે થાય છે પણ ધીમે ધીમે માતા-પુત્રીના સંબંધોનો ઈમોશનલ ટ્રેક પકડી લે છે. ધીરજ ધરીને જોવા જેવી સરસ ફિલ્મ

  1. BAHUBALI 2 : THE CONCLUSION (2017) (TELUGU) : 8 /10

બાહુબલીનો પ્રથમ ભાગ ગમેલો. બીજો ભાગ સ્ટોરીની દ્રષ્ટીએ થોડોક નબળો છે. સ્પેશીયલ ઈફેક્ટસ એક્શન, ગીતો અને સીનેમેટોગ્રાફી સરસ છે. ટૂંકમાં, સંપૂર્ણ ભારતીય ફિલ્મ.

  1. KUBO AND THE TWO STRINGS (2016) (ENGLISH) : 7.5/10

વાર્તાનો કોન્સેપ્ટ સારો છે, એનીમેશન જબરદસ્ત છે પણ અંત સુધી જતા ફિલ્મ હાંફી જાય છે.

  1. TROLLS (2016) (ENGLISH) : 7.5/10

ફરી પાછી ફિલ ગુડ વાર્તા, સરસ એનીમેશન, ગીતો, સંગીત અને બાળકોને મજા જ મજા

  1. GONE GIRL (2014) (ENGLISH) : 8/10

ટીપીકલ ‘ડેવિડ ફીન્ચર’ ફિલ્મ. કઈ ન બનતું દેખાવા છતાં ઘણું બધું બની જાય છે. સમજવામાં થોડી અઘરી વાર્તા, અદભુત અભિનય, નોન લીનીયર એડીટીંગ અને છેલ્લે અણધાર્યો અંત. ધીરજ રાખીને છેક છેલ્લે સુધી જોવા જેવી.

  1. KAABIL (2017) (HINDI) : 7/10

શરૂઆત સરસ, મધ્ય ઠીક ઠાક અને અંત એકદમ નાટકીય અને ન માન્યામાં આવે તેવો. રોનિત અને રોહિત રોય જોડે વધારે અપેક્ષા હતી પણ વાર્તામાં કેરેક્ટર બરાબર ઉપસતા નથી. આ પ્રકારની વાર્તા ધરાવતી સંજીવકુમારની ‘કત્લ’ ફિલ્મ વધારે સારી છે.

  1. NANNAKU PREMATHO (2016) (TELUGU) (HINDI-FAMILY EK DEAL) : 8/10

પહેલાથી છેલ્લે સુધી જકડી રાખતી વાર્તા, મજાના ડાયલોગ, સુંદર હિરોઈન, જોવા અને સાંભળવા ગમે તેવા ગીતો, સ્ટાયલીશ એક્શન.. એક ભારતીય ફિલ્મમાં હોય તેવું બધું આ ફિલ્મમાં છે. આ પહેલા જુનિયર એન.ટી.આર. મને ખાસ ગમતો નહોતો પણ આ ફિલ્માં તેણે બાઝી મારી લીધી છે. તેની ‘જનતા ગેરેજ’ પહેલા મોહનલાલના લીધે જોવાની ઈચ્છા હતી પણ હવે જુનિયર એન.ટી.આર. ના લીધે પણ જોવી પડશે. આ ફિલ્મની હિન્દી રીમેક બનવી જોઈએ.

  1. SKIPTRACE (2016) (ENGLISH) : 7.5/10

શરૂઆતના દિવસોમાં અંગ્રેજી ફિલ્મો જોવા માટે એક મહત્વનું ફેક્ટર ‘જેકી ચાન’ હતું જે અત્યાર સુધી બરકરાર છે. ‘રશ અવર’ અને ‘શાંઘાઈ નૂન અને નાઈટ્સ’ જેવી આ ફિલ્મ એક રોડ ટાઈપની મુવી છે અને સ્ટોરીમાં કઈ ખાસ ન હોવા છતાં જેકી ચાન અને Johnny Knoxville ના માસુમ અભિનય, ફની ડાયલોગ્સ અને એક્શનને લીધે જોવાલાયક છે.

  1. GUARDIANS OF THE GALAXY (2014) (ENGLISH) : 7/10

‘માર્વેલ  કોમિક્સ વાળા ખબર નહિ કેવું કેવું લઇ આવે છે. સ્ટોરી ખાસ નથી પણ ‘રોકેટ’ અને ‘યોન્ડું’ના ફની અભિનય અને ડાયલોગ્સને લીધે જોવાની મજા આવે છે. બાકી જેટલી વખાણવામાં આવેલી છે તેવી આ ફિલ્મ જોરદાર નથી.

  1. HINDI MEDIUM (2017) (HINDI): 8/10

અંગ્રેજી મીડીયમ અને પ્રાઈવેટ સ્કૂલો પ્રત્યે આજના લોકોના વળગણ વિષે વાત કહેતી ફિલ્મ. સરસ વાર્તા અને સરસ અભિનય. પણ અહી દીપક ડોબ્રિયાલ બાજી મારી જાય છે.

  1. UGLY (2014) (HINDI) : 9/10

‘અગ્લી’ જેવી ફિલ્મો જોયા પછી તેનો નશો ૨-૩ દિવસ સુધી ઉતરતો નથી અને મનમાં કઈક ખટક્યા કરે. અનુરાગ કશ્યપની આ ફિલ્મ પહેલેથી લઈને છેલ્લે સુધી જકડી રાખે છે. નોર્મલ માણસ પણ લાગ મળતા પોતાનો મતલબ સાધવા માટે કેવો સ્વાર્થી થઇ જાય છે તેની વાર્તા અનુરાગ કશ્યપે પોતાની સ્ટાઈલમાં કહી છે. દરેક કલાકારનો અદભુત અભિનય (છેલ્લા સીનમાં રોનિત રોયની આંખો, ગીરીશ કુલકર્ણીની શરૂઆતનો પોલીસ સ્ટેશનનો સીન વગેરે વગેરે). રાહુલ ભટ જેવા કલાકારે પણ  જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. ટૂંકમાં, ન ચૂકવા જેવી ફિલ્મ.

  1. WAZIR (2016) (HINDI) : 7.5/10

વાર્તાનો કોન્સેપ્ટ સરસ છે પણ યોગ્ય રીતે ડેવેલોપ થયેલો નથી. ઘણી નાની નાની વાતો અધુરી છે. અભિનય સરસ છે પણ ફિલ્મ સાથે ઈમોશનલી એટેચ થવાતું નથી.

 

પુસ્તકો:

૧. આઈ ટુ હેડ અ લવ સ્ટોરી

લેખક: રવિન્દર સિંઘ

ગુજરાતી અનુવાદ: આરતી પટેલ

લેખક ‘રવિન્દર સિંઘ’ની પોતાની લવ સ્ટોરી કહેતી આ નોવેલમાં પ્રેમ થયા પછી અનુભવાતી લાગણીઓ બયાન થઇ છે. પણ અમુક જગ્યાએ થોડા વેવલાવેડા લાગે છે.

૨. સહાદત હસન મંટો: કેટલીક વાર્તાઓ

લેખક: સહાદત હસન મંટો

ગુજરાતી અનુવાદ: શરીફા વીજળીવાળા

પ્રખ્યાત અને કઈક અંશે વિવાદાસ્પદ ઉર્દુ લેખક મંટોએ લખેલી થોડીક વાર્તાઓ જેમાં ‘ટોબા ટેક્સિંહ, ‘ઠંડા ગોસ્ત’, ‘બૂ’ વગેરે સામેલ છે તેનો શરીફા વીજળીવાળાએ અદભુત અનુવાદ કરેલો છે. ભારત પાકિસ્તાન ભાગલા, સમાજમાં ન સ્વીકારાયેલી વ્યક્તિઓ વગેરેને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તાઓ જેમાંની ઘણી વાતો અત્યારે પણ પ્રસ્તુત છે. તે વખતે વિદ્રોહી બનેલી આ વાર્તાઓ અત્યારે પણ જો લખાઈ હોત તો પણ વિદ્રોહી જ લેખાત.

જુલાઈ-૨૦૧૭ની ફિલ્મો અને પુસ્તકો

જુલાઈ-૨૦૧૭ની ફિલ્મો અને પુસ્તકો

તો આ મહીને સારી એવી ફિલ્મો જોવાઈ છે અને ઘણા લાંબા સમયથી ચાલતી એક નવલકથા અને એક બીજું પુસ્તક વંચાયું છે. ટૂંકમાં, મહિનો સફળ રહ્યો છે.

  1. NIGHT CRAWLER (2014) (ENGLISH) : 7.5/10

મીડિયાની ન દેખાયેલી બાજુ અને તેના વિષે સચ્ચાઈ બયાન કરતી ફિલ્મ. ખાસ તો  Jake Gyllenhaal માટે જોવામાં આવી. અંત એકદમ સચોટ છે. જોકે જેટલી વખાણવામાં આવેલી છે તેટલી રસપ્રદ ન લાગી.

  1. KONG:SKULL ISLAND (2017) (ENGLISH): 8/10

પીટર જેક્શનની ‘કિંગ કોંગ (૨૦૦૫) આલાતરીન ફિલ્મ હતી. KONG:SKULL ISLAND  તેના જેટલી રોમાંચક ફિલ્મ નથી. જોકે અવનવા લોકેશન્સ અને કેરેક્ટર્સ જેવા કે મોજીલો સૈનિક John C. Reilly અને સનકી Samuel L. Jackson મજા કરાવે છે.

  1. THE DARJEELING LIMITED (2007) (ENGLISH) : 7.5/10

માતા કે ખબર નહિ શેની શોધમાં ત્રણ અમેરિકન ભાઈઓ પહેલા ટ્રેન અને પછી વિવિધ રીતે ભારતભરમાં નીકળી પડે છે. તેમની સફર, તેમના સંબંધો અને વચ્ચે વચ્ચે આવતા વિવિધ સ્થળો અને કીરદારો. જોકે ફિલ્મ ખાસ તો ડીરેક્ટર Wes Anderson અને Owen Wilson માટે જોવામાં આવી.

  1. RESIDENT EVIL:THE FINAL CHAPTER (2016) (ENGLISH) : 7.5/10

જોમ્બી ફ્લીક્સ મને ગમે. એમાય ‘રેસીડેન્ટ એવિલ’ તો મજા કરાવે છે. જોકે મને તેનો ત્રીજો ભાગ RESIDENT EVIL: EXTINCTION (2007) સૌથી વધારે ગમેલો. પછીના બધા ભાગ ઠીકઠાક હતા. આ કહેવાતો છેલ્લો ભાગ છેલ્લા બે ભાગની સરખામણીમાં રસપ્રદ છે.

  1. COURT (2015) (MARATHI) : 8/10

આપણી ન્યાય પ્રણાલી અને તેના દ્વારા થતો વહીવટ. એક યુવાન વકીલ જેને પોતાના અસીલને કોઈ પણ ભોગે છોડાવવો છે, એક પીઢ સ્ત્રી જે કોર્ટમાં એકના એક ચહેરા જોઇને કંટાળી જાય છે જેથી તેને પણ કેસ જલ્દી પતાવવો છે અને આ બધામાં ફંગોળાતો આરોપી. નાની લાગતી વાત પણ કોર્ટમાં કેટલી મોટી લાગે છે. ફિલ્મમાં ઝીણી ઝીણી એટલી બાબતો દર્શાવાઈ છે (જેમકે કોર્ટમાં ઝોંકા ખાતો વકીલ કે જજની બાજુમાં બેસીને મોબાઈલ ફંફોસતી ક્લાર્ક) કે ઘણી વાર એમ લાગે છે કે તેની શી જરૂર હશે? જોકે ઓવરઓલ જોતા ફિલ્મનો સંદેશ કે હાર્દ કહેવા માટે તે જરૂરી છે. અમુક સીન્સમાં તો આપને જાણે કોર્ટમાં બેઠા હોઈએ તેવું લાગે છે. ફિલ્મ ધીમી છે પણ અસરકારક છે.

  1. THE SHALLOWS (2016) (ENGLISH) : 7/10

એક એવરેજ સર્વાઈવલ મુવી. જોકે અહિયાં ‘ડીપ બ્લુ સી’ જેવી ધમાચકડી નથી અને રીયાલીટી પર વધારે ભાર મુકાયો છે. શરૂઆતના સમુદ્રના દ્રશ્યો અદભુત છે.

  1. ENTERTAINMENT (2014) (HINDI) : 4/10

નાના છોકરાઓને મજા આવે તેવું બાકી છેક છેલ્લે સુધી કંટાળા જનક. જોકે ફિલ્મો અને કલાકારોના નામ જોડીને બનાવાયેલા અને કૃષ્ણા અભિષેકને મોઢે કહેવાયેલા અમુક વનલાઈનર્સ સારા છે.

  1. HAPPY BHAG JAYEGI (2016) (HINDI) : 7.5/10

ભૂલથી પાકિસ્તાન પહોચીને ત્યાં ધમાચકડી મચાવતી હેપ્પી અને તેને લીધે હેરાન થતું ભારત અને પાકિસ્તાન. સ્ટોરી સારી છે અને કદાચ વધુ મજેદાર બનાવી શકી હોત. અભય દેઓલ, પીયુષ મિશ્રા, જીમ્મી શેરગીલ અને ડાયના પેન્ટી એકદમ સરસ છે. જીમ્મી શેરગીલનું કેરેક્ટર તો ‘તનુ વેડ્સ મનુ’ને મળતું આવે છે. ગીતો અને સંગીત પણ સુરીલું છે. ટૂંકમાં મજા કરાવી દે તેવી ફિલ્મ છે.

  1. MERE DAD KI MARUTI (2013) (HINDI) : 7/10

ભૂલથી ખોવાઈ ગયેલી પપ્પાની મારુતિ અને તેને શોધવા થતી દોડાદોડ. રામ કપૂર, પ્રબલ પંજાબી અને સાકીબ સલીમનો અભિનય સરસ છે. જોકે ફિલ્મમાં વધુ પડતા પંજાબી ડાયલોગ્સ ઘણીવાર ખુંચે છે.

  1. WARCRAFT (2016) (ENGLISH) : 7.5/10

લોકપ્રિય ગેમ પર આધારિત ફિલ્મ. બે જૂથો (ઓર્ક અને માનવો) વચ્ચે દુશ્મનાવટ અને સંબધો પર રચાયેલી ફેન્ટસી ફિલ્મ. સ્ટોરી સરળ અને સ્પેશિયલ ઈફેક્ટસ સરસ છે. ટૂંકમાં એક ટાઈમપાસ ફેન્ટસી ફિલ્મ.

પુસ્તકો:

  1. LET’S RACE, DADDY! (ENGLISH)

Writer: Soham Shukla

આ પુસ્તકનું વિમોચન અમારા વિદ્યામંદિર કેમ્પસમાં થયું હોવાથી અને લેખક પોતે વિદ્યામંદિરના વિદ્યાર્થી હોવાથી પુસ્તક વિષે થોડી ઇન્તેજારી હતી. લેખક પોતે દોડવીર છે અને દોડવીર બન્યા પહેલા અને તે પછીની વાતો રસપ્રદ રીતે એક વાર્તાના રૂપમાં કહેલી છે. જોકે દોડવું એ મારો વિષય નથી પણ દોડવીર બનવામાં જેમને રસ છે તેમને લેખકના અનુભવો અને બીજી ટીપ્સ કામ લાગી શકે તેમ છે.

મારી સાથે સ્કુલમાં ભણતો મિત્ર કાર્તિક પણ ઘણું દોડે છે. અને બ્લોગ વિશ્વમાં ઘણા સમયથી સક્રિય છે.

https://kartikm.wordpress.com/

  1. આખેટ (ગુજરાતી)

લેખક: અશ્વિની ભટ્ટ

છેલ્લા ૬ મહિનાથી ચાલતી અને ત્રણ તોતિંગ ભાગમાં લખાયેલી આ નવલકથા વાંચવામાં ખરેખર દમ નીકળી ગયો. પહેલા બે ભાગમાં મજા આવી પણ છેલ્લો ભાગ થોડો ખેચ્યો હોય તેવું લાગ્યું. જોકે અશ્વિની ભટ્ટની નવલકથાઓમાં એટલું બધું વર્ણન હોય છે કે વાંચતી વખતે એવું લાગે કે જાણે દ્રશ્ય આપણી આંખ સામે જ ભજવાઈ રહ્યું હોય. તેમની નવલકથાઓ પરથી ફિલ્મ બનાવનારને પટકથા લખવામાં ઝાઝી મહેનત ન કરવી પડે. જોકે કોઈ ફિલ્મ બનાવતું કેમ નથી તે આશ્ચર્યનો વિષય છે. ‘આશ્કા માંડલ’ પરથી તો ફિલ્મ બનવી જ જોઈએ. હવે, અશ્વિની ભટ્ટની ‘ઓથાર’ વાંચનના વીશ લીસ્ટમાં છે.

જૂન-૨૦૧૭ની ફિલ્મો

જૂન-૨૦૧૭ની ફિલ્મો

  1. ROAD TRIP (2000) (ENGLISH) : 5.5 / 10

ગર્લફ્રેન્ડને ભૂલથી મોકલી દેવાયેલ વિડીયો કેસેટ અને તેને પાછી મેળવવા માટે કરવી પડતી રોડ ટ્રીપ. ડીરેક્ટર TODD PHILIPS ની ફિલ્મોમાં રોડ ટ્રીપ, મિત્રોની ગેંગ, અણધારી મુસીબત અને ટાઈમ પાસ કોમેડી હોય છે. ‘રોડ ટ્રીપ’ તેમની શરૂઆતની ફિલ્મ છે જેની છાપ તેમની પાછળની ફિલ્મો ‘હેંગ ઓવર સીરીઝ’ અને ‘ડ્યુ ડેટ’ માં પણ દેખાય છે.

  1.   PREDESTINATION (2014) (ENGLISH) : 8 /10

એક એજન્ટ (પોલીસ)ને ક્યારેય ન સાંભળી હોય તેવી પોતાની વાત કહેતો એક પુરુષ… અને પછી ધીમે ધીમે ગુંથાતા અને ખુલતા તાણાવાણા, ટાઈમ ટ્રાવેલ અને છેલ્લે ખુલતું રહસ્ય… આ અંગ્રેજી ફિલ્મો વાળા આવી ગજબ સ્ટોરી અને કોન્સેપ્ટ ક્યાંથી શોધી લાવે છે? જોકે આ ફિલ્મની વાર્તાનો તાળો મેળવતા મગજનું  દહીં, છાસ અને કઢી થઇ જાય તેમ છે. ફિલ્મમાં બનતી ઘટનાઓની સિક્વન્સ (ટાઈમલાઈન) સમજવા માટે વીકીપીડીયાનો સહારો લેવો પડ્યો. પણ છેલ્લી મિનીટ સુધી બેસી રહેવાની ધીરજ હોય તો છેલ્લે સુધી મજા પડી જાય છે. અને કલાકારોનો અભિનય તો અદભુત છે ખાસ કરીને SARAH SNOOK.

  1. DANGAL (2016) (HINDI) : 8 / 10

બહુ જ વખણાયેલી અને બહુ જ જોવાયેલી ‘દંગલ’ સ્ટોરી તો પ્રેડીકટેબલ છે પણ ઈમોશનલ ટચ અને અભિનયને લીધે છેલ્લે સુધી જરા પણ કંટાળો આવતો નથી. કુસ્તીની સિક્વન્સમાં ઝીણી ઝીણી ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવેલ છે અને જેથી એકદમ ઓથેન્ટિક લાગે છે. જોકે ઘણા બધા સીન્સ બરોબર જમાવવાને બદલે અધૂરા છોડી દેવાયા હોય તેમ લાગે છે. જેમ કે ‘મારી છોરીયા છોરોસે કેમ હે કે’ વાળો સીન ફક્ત એક ડાયલોગ બોલવા માટે જ છે. સંગીત થોડું મોળું પડે છે. હા પહેલી વાર જયારે ગીતા છોકરાની સામે કુસ્તી લડે છે ત્યારનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક જોરદાર છે. ઓવરઓલ એક પરફેક્ટ હિન્દી ફિલ્મ.

  1. LOGAN (2017) (ENGLISH) : 8.5/10

મોટી ઉમરનો અને ધીમે ધીમે જેની શક્તિઓ ક્ષીણ થઇ રહી છે તેવો લોગન એટલે કે ‘વોલ્વરીન’ જેને સંજોગવશાત નવું મિશન મળે છે. આ ફિલ્મની કથા સરળ છે પણ મજબુત છે. અહી ઝબરદસ્ત સ્પેશિયલ ઈફેક્ટસ કે ન માન્યામાં આવે તેવું એક્શન નથી. વાર્તામાં લાગણીઓ અને સંબંધો પર વધુ ભાર મુકાયો છે. જોકે આ ફિલ્મનો એક અને એકમાત્ર હીરો ‘હ્યુજ જેકમેન’ જ છે. તેની પર્સનાલીટી અને અભિનય ઘરડા અને ઝીંદગીથી નાસીપાસ થયેલા અને પછી ફરી મિશન પર લાગતા પાત્રને જીવી જાય છે. સાથે સાથે પ્રોફેસર ઝેવિયર (પેટ્રિક સ્ટુઅરટ) અને લોરા બનતી Defne Keen નો સાથ ફિલ્મને બેસ્ટ એક્સ-મેન મુવી બનાવે છે. અને હા, એન્ડ ક્રેડીટસમાં મસ્ત મજાનું સાંભળવા જેવું ગીત છે.

  1. 10 CLOVERFIELD LANE (2016): 7.5 /10

અંત સુધી મજાની પણ વચ્ચે વચ્ચે ક્યાંક ડચકા ખાય છે. જોકે અંત એટલો મજા પમાડે તેવો નથી અને સિકવલ માટેની જગ્યા ખુલ્લી રાખવામાં આવી છે. આ ફિલ્મની પ્રિકવલ ‘CLOVERFIELD’ જે ૨૦૦૮માં રજુ થઇ હતી જે આગામી સમયમાં જોવામાં આવશે.

  1. KAPOOR AND SONS (2016) : 8 /10

પરિવારની વેલ્યુ સમજાવતી કરણ જોહર નિર્મિત આ ફિલ્મ તેની બીજી ફિલ્મો જેવી લાઉડ નથી જે ફિલ્મને ઓથેન્ટિક બનાવે છે. સરસ ધીમી ધારે વહેતી વાર્તા, દમદાર અભિનય અને સુંદર લોકેશન્સ, ફિલ્મ ક્યારે પતી જાય છે તે ખબર જ નથી પડતી. ડીરેક્ટર શકુન બત્રાએ આ ફિલ્મમાં કમાલ કરી છે અને જેથી તેમની પહેલી ફિલ્મ ‘એક મેં ઓર એક તું’ પણ જોવામાં આવશે.